કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ..



કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ,
મળતા રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું
પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં
ઉછળે છે સાગરના નીર
મારું એ ઉર હવે ઉછળવા ચાહે એવું
બન્યું છે આજ તો અધીર
સાગરને તીર તમે આવો ને ચાંદ શા
ખીલી રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું
મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે
કોયલ કરે છે ટહુકારો
આવો તમે તો મન ટહુકે આનંદમાં
ખીલી ઉઠે આ બાગ મારો
શાને સતાવો, મારી ઉરની સિતારના
તારો છેડો તો ઘણું સારુ
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું