મૃત્યુ ની શરણાઈ

મૃત્યુ એ દરેક જીવન નું અનિવાર્ય અંતિમ સત્ય છે. ઘણી વખત વિચાર આવે કે  મૃત્યુ માનવજીવન નો એક એવો પ્રસંગ છે કે જેમાં મુખ્ય વ્યક્તિ કે જેનો પ્રસંગ છે તે ખુદ જ હાજર હોતા નથી. આ એક વિચિત્ર બાબત છે. મને ઘણી વખત વિચાર આવે કે મારો આત્મા આ દેહ જ્યારે છોડી જશે ત્યારનું દ્રશ્ય કેવું હશે?!? મૃત્યુ ક્યારે આવશે એ નિશ્ચિત નથી,પણ આવશે એ તો નિશ્ચિત જ છે, અને હું મારી ઈચ્છા વ્યક્ત કરવા ત્યારે હાજર નહીં હોઉં એ પણ એટલું જ નિશ્ચિત છે.  તો અગાઉ થી જ પરિવારના સભ્યોને, મિત્રો ને  જાણ કરી ને મારા આ મહત્વ નાં પ્રસંગ વિષે મારી લાગણીઓ વ્યક્ત કરી દઉ તો ?!?

૧) હું સ્પષ્ટપણે માનું છું કે આ શરીરનાં જવાથી કોઈ જ ફરક પડવાનો નથી.કેમકે આત્મા કદી યે મરતો નથી. એટલે સૌથી પહેલી વાત તો એ કે કોઈ એ બિનજરૂરી શોક ન કરવો, આંસુ ન સારવા. કોઈ નાં આંસુ હું સહન કરી શકતી નથી.એમાયે,મારા સ્વજનો નાં તો બિલકુલ નહીં. એટલે બધાં નાં ચહેરા હસતાં હોય એ પહેલી ઈચ્છા.

૨) ગુલાબ નાં અને મોગરાના ફૂલ ની સુગંધ મને બહુ ગમે છે, તો હેરાન થયા વગર, સરળતાથી આ બે પૈકી જે ફૂલ મળે તેનાથી છેલ્લે દેહને શણગારી શકાય તો એવો પ્રયત્ન કરવો.

૩) અંતિમયાત્રા કાઢવામાં આવે તે પહેલાં ,,, ઘરમાં રોકકળ અને ગ્લાનિ ભર્યું વાતાવરણ ન હોય,પણ બહારથી પસાર થનાર વ્યક્તિ ને એમ લાગવું જોઈએ કે કોઈ ધાર્મિક કાર્યક્રમ- યજ્ઞ જેવો - યોજાયો લાગે છે. ફૂલો અને અગરબત્તી ની સુગંધ આવતી હોય, ઘરમાંથી વેદોક્ત મંત્રોચ્ચાર નો અવાજ સંભળાતો હોય, કોઈ શોગિયો કે રોતલ ચહેરો ન હોય, બલ્કે બધા લયબદ્ધ રીતે શાંતિ અને સ્વસ્થતા ધરાવતા હોય.- એવું ખુશનુમા નહીં તો યે શાંતિ પૂર્ણ વાતાવરણ હોય. સ્તુતિ, સ્તોત્ર, મંત્રોચ્ચાર જેટલા વધુ થશે એટલી શાંતિ મળશે મારા આત્માને.
જોકે ન થાય તો તેની ચિંતા ન કરશો, મેં જીવતા જ બધી ઈચ્છાઓ પૂર્ણ કરી જ લીધી છ.ે

૪) મારા જીવનની સૌથી વધુ આનંદ ની ક્ષણો એટલે સગર્ભાવસ્થા. એટલે, ઉઠમણું કે પ્રાર્થનાસભામાં પણ ઓરેન્જ સેલુ પહેરેલ, સીમંત પ્રસંગ વાળો ફોટો મૂકી શકાય તો સારું.

૫) નિકુંજ ખોવાઈ ગયા સિવાય ,,, અન્યથા મેં મારા જીવનને ભરપૂર માણ્યું છે. છલોછલ સુખ શાંતિ ભોગવ્યા છે, એટલે કોઈ ફરિયાદ નથી.માટે , કોઈ શોક ન કરે.

૬) અંતિમ ક્ષણો સમયે કોઈ નજીક હોય તો ગાયત્રી મંત્ર મને સંભળાવે.

૭) ચક્ષુદાન કરવું. બસ, અસ્તુ.

આજે કાંઈ એવો મૂડ આવી ગયો ને લખ્યું એવું નથી. ક્યારનું આ બધું લખવું જ હતું, આજે સમય કાઢ્યો છે .

ડો.જયોતિ હાથી.
રાજકોટ
૧૫/૪/૧૮