તું મુજ દિલમાં વસતો,
તું મુજ હૈયામાં હસતો
તું જ શ્વાસ માં શ્વસતો
ને તું જ મારા હ્રદયે રમતો
બંધ આંખે ખ્યાલોમાં ખિલતો
ખોલું આંખો તો અલોપ થઈ જાતો
તું
કેમ કરી ને કહું !!!?!
વિરહની આ વ્યથા કોને જઈને કહું?
દિલની આ કથા કોને જઈને કહું?!
શાંત છું બહાર થી પણ ભીતર ભારેલો અગ્નિ,(૨)
ઘૂઘવતો આ સાગર , એની દશા કિનારાને કેમ કરીને કહું ?!?
મંઝિલ મારી બસ એક પ્રેમ તારો,(૨)
તને ચાહું કેટલો, તને કેમ કરી ને કહું !!!?!
મોજા અથડાય છે એવા , ફીણ વળી જાય તેવા (૨)
છતાં અડગ તું ખડક જેવો, તને કેમ કરી કહું ?!?
તું મારો થા યા ન થા... તું જાણે ને પ્રભુ મારો (૨)
પણ જાણી લેજે છું હું તારી, તારા કાજે મુજ જન્મારો !
ડો.જયોતિ હાથી
૨૭/૧૨/૨૦૧૭
એવી તે કેવી હું ફસાણી
વાસંતી વાયરાની હવા મને લાગી,
ઓય મા રે, હું તો કેવી ફસાણી !!
એના રે નામની ધૂણી મેં ધખાવી
ઓય મા રે હું તો એવી ફસાણી
ચાહત નાં દરિયા માં ડૂબકી લગાવી
હું તો સાંગોપાંગ એમાં તણાઈ
વિરહનાં મોજાં મને તાણી ગયા
માં એવી તે કેવી હું ફસાણી
નયનો નાં નેહમાં એનાં સમાણી
ને પ્રેમ પ્રવાહ માં ભીંજાણી
કિનારે પહોંચવા સાવ અજાણી
માં એવી તે કેવી હું ફસાણી
ડો.જયોતિ હાથી
તા.૨૭/૧૨/૨૦૧૭